વડોદરા: વડોદરા શહેરમાં દશામાતાના ભવ્ય આગમનને લઈને આજે શ્રદ્ધા અને ઉત્સાહનો અદભૂત માહોલ જોવા મળ્યો હતો. વર્ષ 1990થી સ્થાપિત થતી દશામાતાની સૌથી મોટી મૂર્તિનું કારેલીબાગથી કિશનવાડી સુધી ભવ્ય આગમન કરવામાં આવ્યું, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
શોભાયાત્રા દરમિયાન સમગ્ર માર્ગ દશામાતાની ભક્તિના રંગે રંગાઈ ગયો હતો. માતાજીના દર્શન કરવા માટે રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્ર થયા હતા. દશામાતાની વિશાળ અને આકર્ષક મૂર્તિના દર્શન થતાં જ ઠેર-ઠેર ભક્તોએ જયકારાના ગુંજતા નાદ સાથે માતાજીનું ભાવભેર સ્વાગત કર્યું હતું.
ડીજેના તાલ, નાસિક ઢોલની ગુંજ, ભજન-કીર્તન અને દશામાતાના જયકારાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ઢોલના તાલે યુવાનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે મહિલાઓ, વડીલો અને બાળકો સહિત તમામ વયના શ્રદ્ધાળુઓ ઉત્સાહપૂર્વક શોભાયાત્રામાં જોડાયા હતા.
કારેલીબાગથી કિશનવાડી સુધીના માર્ગ પર અનેક સ્થળોએ ભક્તોએ દશામાતાની આરતી ઉતારી હતી અને પુષ્પવર્ષા કરીને માતાજીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. શોભાયાત્રા આગળ વધતી રહી તેમ ભક્તોની સંખ્યા અને ઉત્સાહ પણ સતત વધતો રહ્યો હતો.
દશામાતાની વિશાળ મૂર્તિ, હજારો ભક્તોની ઉપસ્થિતિ, ઢોલ-નગારા અને જયકારાના ગુંજતા નાદ વચ્ચે યોજાયેલા આ ભવ્ય આગમને વડોદરા શહેરમાં શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહનો અનોખો સંગમ સર્જ્યો હતો.
અક્ષય પટેલના અહેવાલ સાથે, આદિ અનંત ન્યૂઝ.













