શિનોર તાલુકાના સેગવા ખાતે આવેલા શિનોર તાલુકા ખરીદ વેચાણ સંઘના કૃભકો કોમ્યુનિટી કમ સ્ટોરેજ સેન્ટરના ભોંયરામાં આવેલા ગોડાઉનમાં વરસાદી પાણી ઘૂસી જતાં ખાતરનો મોટો જથ્થો બગડી ગયો છે. આ ઘટનામાં અંદાજે રૂ. 5.67 લાખની કિંમતની કુલ 1,994 બેગ ખાતર પાણીમાં ઓગળી જતાં સંઘને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
મળતી માહિતી મુજબ ગોડાઉનમાં સંગ્રહિત 1,840 બેગ યુરિયા ખાતર, 100 બેગ સાગરિક ખાતર, 48 બેગ એસ.એસ.પી. ખાતર અને 6 બેગ ડી.એસ.પી. ખાતર સહિત કુલ 1,994 બેગ ખાતર વરસાદી પાણીમાં ઓગળી ગયું હતું.
શિનોર પંથકમાં છેલ્લા 24 કલાક દરમિયાન 5 ઇંચથી વધુ વરસાદ વરસતા વરસાદી પાણી ગોડાઉનમાં ઘૂસી ગયા હતા, જેના કારણે આ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
શિનોર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ ભાસ્કર ભટ્ટે મામલતદાર તેમજ વીમા કંપનીને ટેલિફોનિક જાણ કરી છે. ઘટનાની જાણ થતાં શિનોર વહીવટી તંત્ર દોડતું થયું છે અને નુકસાનનો સર્વે સહિતની તજવીજ હાથ ધરવામાં આવી છે.













