SMCની કરોડિયા વિસ્તારમાં મોટી કાર્યવાહી, 3,259 બોટલ વિદેશી દારૂ-બિયર સહિત રૂ.6.50 લાખનો મુદ્દામાલ કબજે; સપ્લાય ચેઇન સુધી પહોંચવા તપાસ તેજ
વડોદરા: તહેવારોને ધ્યાનમાં રાખીને ગેરકાયદે દારૂના વેપાર સામે રાજ્યભરમાં ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને મોટી સફળતા મળી છે. જવાહરનગર પોલીસ મથકની હદમાં આવેલા કરોડિયા વિસ્તારમાં દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની 3,259 બોટલો સહિત કુલ રૂ.6.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય છ આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરી છે.
વડોદરા, તા. 7: ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક તથા મુખ્ય પોલીસ અધિકારી જી.એસ. મલિકના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ગેરકાયદે દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેના અનુસંધાનમાં સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એ. તુવર તથા તેમની ટીમને કરોડિયા વિસ્તારમાં ભેરૂબાબાના મંદિર સામે આવેલા રમેશનગરમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે કરવામાં આવેલા દરોડા દરમિયાન સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની અંદાજે 50 પેટીમાંથી કુલ 3,259 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ.4,60,780 હોવાનું સામે આવ્યું છે. અન્ય મુદ્દામાલ સહિત પોલીસે કુલ રૂ.6,50,480નો મુદ્દામાલ કબજે કર્યો છે.
કાર્યવાહી દરમિયાન પોલીસે ખાલીદ કાસમભાઈ શેખ અને અલ્પેશ રાજેન્દ્ર મિહોલિયાને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. જ્યારે ઇમરાન ઇબ્રાહીમભાઈ રાઠોડ, તુફેલ ઇમરાનભાઈ રાઠોડ, રફીકશા દિવાન, સાહિલ રાજ, પરવેઝ રાઠોડ અને આરિફ ઉર્ફે જગ્ગા રાઠોડ પોલીસને ચકમો આપી ફરાર થઈ જતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
આ મામલે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી કુલ આઠ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જપ્ત કરાયેલા દારૂનો સ્ત્રોત, તેની સપ્લાય ચેઇન તેમજ ફરાર આરોપીઓ સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે આગામી દિવસોમાં આ સમગ્ર નેટવર્ક અંગે વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.













