,

લગ્નના ગણતરીના દિવસોમાં જ પરિણીતાને સાસરીયાઓનો ત્રાસ, પતિ સહિત ચાર સામે ફરિયાદ

વડોદરાના તાંદલજા વિસ્તારની 21 વર્ષીય પરિણીતાએ પતિ સાહીલ શેખ, સાસુ, સસરા અને નણંદ સામે શારીરિક-માનસિક ત્રાસ, મારઝૂડ અને ધમકી અંગે ફરિયાદ નોંધાવી.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી 21 વર્ષીય પરિણીતાએ પોતાના પતિ, સાસુ, સસરા અને નણંદ સામે માનસિક તથા શારીરિક ત્રાસ, પગારના નાણાં પડાવી લેવાના પ્રયાસો, મારઝૂડ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ગંભીર ફરિયાદ નોંધાવી છે. અગાઉ કાઉન્સેલિંગમાં સમાધાનનો પ્રયાસ નિષ્ફળ જતાં આખરે પરિણીતાએ કાયદેસરની કાર્યવાહી માટે પોલીસનો આશરો લીધો છે.

ફરિયાદ મુજબ સમીના સાહીલ શેખના લગ્ન 1 જૂન, 2025ના રોજ ઇસ્લામિક શરિયત મુજબ સાહીલ સલીમ શેખ સાથે થયા હતા. લગ્ન બાદ રિસેપ્શન દરમિયાન મળેલા કવર, ભેટ-સોગાદો અને મહેરની રકમ સાસુ-સસરાએ પોતાની પાસે રાખી લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

પરિણીતાના જણાવ્યા અનુસાર લગ્નના બે-ત્રણ દિવસ બાદ પતિ સાથે બહાર જમવા જવાની બાબતે સાસુએ ઝઘડો કરી બંનેને ઘરેથી કાઢી મૂક્યા હતા. વડીલોના સમાધાન બાદ ફરી સાસરે રહેવા ગયા છતાં ઘરકામને લઈને સાસુ, સસરા અને નણંદ સતત મેણાં-ટોણાં મારી અપમાનિત કરતા હતા. નણંદ દ્વારા “તું અમારા ઘરની નોકરાણી છે” જેવા શબ્દો બોલી અપમાન કરવામાં આવતું હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

ફરિયાદમાં વધુમાં આરોપ છે કે પતિ ઓનલાઈન ગેમ રમવાની લતમાં પૈસા ગુમાવતો હતો અને વારંવાર પત્ની પાસે નાણાં માંગતો હતો. પૈસા ન આપતા મારઝૂડ કરતો તેમજ સાસરીયાઓ નોકરી કરી ઘરમાં પૈસા આપવા અથવા પિયરમાંથી રૂપિયા લાવવાનું દબાણ કરતા હતા. પરિણીતાનો પગાર પણ પતિ અને સસરા લઈ લેતા હોવાનું જણાવાયું છે.

પરિણીતાએ પતિના અન્ય યુવતીઓ સાથે સંબંધ હોવાનો પણ આક્ષેપ કર્યો છે. આ મુદ્દે પૂછપરછ કરતાં પતિ ઝઘડો કરતો અને વારંવાર પિયર જવા કહી માનસિક ત્રાસ આપતો હતો. અંતે ડિસેમ્બર-2025માં નણંદે ઘરેથી કાઢી મૂક્યાનો અને બાદમાં પતિએ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ મામલે અગાઉ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી અને કેસ કાઉન્સેલિંગ માટે મોકલાયો હતો, પરંતુ સમાધાન ન થતાં પરિણીતાએ પતિ સાહીલ સલીમ શેખ, સાસુ મહેરુન શેખ, સસરા સલીમ શેખ અને નણંદ સાહીન શેખ સામે માનસિક તથા શારીરિક ત્રાસ, ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી અંગે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

About the Author

AADI ANANT NEWS

Aadi Anant News is a trusted digital news platform dedicated to delivering accurate, unbiased, and timely news. We cover local, national, and global stories with integrity, transparency, and a commitment to factual journalism. Stay informed with news that matters.

You May Have Missed