વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ મોટી ચોરીને અંજામ આપ્યો છે. મકાનની લોખંડની જાળીનો નકુચો તોડી ઘરમાં પ્રવેશેલા ચોરોએ બે તિજોરીના લોક તોડી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂ. 6.31 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ પડોશીએ ઘરમાલિકને કરતા સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો.
ફરિયાદ અનુસાર, વાઘોડિયા રોડ પર દ્વારકેશકુંજ સોસાયટીમાં રહેતા અને કલાદર્શન ચાર રસ્તા પાસે ભાગ્યોદય હેર આર્ટ નામની હેર સલૂન ચલાવતા અજયભાઈ હરેશભાઈ નાઈ 28 જુલાઈની સાંજે પરિવાર સાથે તેમના નાના ભાઈના ઘરે રોકાવા ગયા હતા. બીજા દિવસે સવારે પડોશી જયમીનભાઈનો ફોન આવ્યો કે તેમના ઘરનું તાળું તૂટેલું છે.
અજયભાઈ ઘરે પહોંચતા મુખ્ય લોખંડની જાળીના નકુચા તૂટેલા જોવા મળ્યા હતા. ઘરમાં પ્રવેશતા બંને લોખંડની તિજોરીના લોક તોડીને અંદરનો સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો. તપાસ કરતા અનેક સોનાની વીંટીઓ, ચેઇનો, મંગળસૂત્ર, સોનાનો સેટ, કડા, પેન્ડલ, ચાંદીની ઝાંઝરી, પાયલ, કડી સહિતના દાગીના તેમજ રૂ. 50 હજારની રોકડ મળી કુલ રૂ. 6,31,035ની મત્તા ચોરી થયેલી હોવાનું સામે આવ્યું હતું.
બનાવ અંગે અજયભાઈ નાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા તસ્કરો સામે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી આસપાસના સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ પુરાવા અને અન્ય માહિતીના આધારે આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ હાથ ધરી છે.













