વડોદરા શહેરની પાણીગેટ પોલીસે છેલ્લા દોઢ વર્ષ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં થયેલી ઘરફોડ ચોરીના કુલ 6 ગુનાઓનો ભેદ ઉકેલી સીકલીગર ગેંગના રીઢા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 2.74 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે તેમજ ચોરીનો માલ ખરીદનાર સોની સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે.
પકડાયેલા મુખ્ય આરોપીની ઓળખ રાહુલ ઉર્ફે મામા ઉર્ફે અમરસિંગ અજીતસિંગ બાવરી (સરદાર) (ઉ.વ. 28) તરીકે થઈ છે. પોલીસ તપાસ દરમિયાન આરોપીએ પાણીગેટ, મકરપુરા, સિટી, ફતેગંજ અને રાવપુરા પોલીસ મથક વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના કુલ 6 ગુનાઓ કબૂલ્યા હોવાનું જાણવા મળ્યું છે.
તપાસમાં વધુમાં બહાર આવ્યું હતું કે આરોપીએ ચોરી કરેલા સોના-ચાંદીના દાગીના દંતેશ્વરના સોની મનિષકુમાર જયંતીલાલ સોનીને વેચી દીધા હતા. જેના આધારે પોલીસે સોનીની પણ ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે આરોપીઓ પાસેથી સોના-ચાંદીની લગડી, રોકડ રકમ, મોટરસાયકલ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 2.74 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ સમગ્ર સફળ કામગીરી પાણીગેટ પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે ટેકનિકલ વિશ્લેષણ અને હ્યુમન સોર્સિસની મદદથી પાર પાડી હતી. હાલ પોલીસે બંને આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે અને અન્ય ગુનાઓ અંગે પણ તપાસ ચાલી રહી છે.













