નડિયાદ, 9 જૂન: ખેડા-નડિયાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને નડિયાદ પશ્ચિમ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે નં. 48 પર સ્વિફ્ટ કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે રૂ. 3.24 લાખ કિંમતની 540 નાની-મોટી દારૂની બોટલો સહિત કુલ રૂ. 5.59 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.
ખાનગી બાતમીના આધારે એલસીબીની ટીમે પીજ ચોકડી અને પીપલગ ચોકડી વચ્ચે આવેલા અમદાવાદ-વડોદરા હાઇવે પર વોચ ગોઠવી હતી. દરમિયાન GJ-22-H-7259 નંબરની લાલ રંગની સ્વિફ્ટ કારને અટકાવી તપાસ કરતાં કારમાંથી પાસ-પરમિટ વિના ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 540 બોટલો જપ્ત કરી હતી, જેની કિંમત રૂ. 3,24,000 હોવાનું જાણવા મળ્યું છે.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે ઉમેશભાઈ મનોજભાઈ જાદવ અને અજયભાઈ અશોકભાઈ પરમાર, બંને રહેવાસી રાસનોલ (તા. જી. આણંદ),ની ધરપકડ કરી હતી. તેમની પાસેથી રોકડ રૂપિયા 700, બે મોબાઇલ ફોન અને સ્વિફ્ટ કાર સહિત કુલ રૂ. 5,59,700નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બંને આરોપીઓ સામે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સફળ કામગીરી પોલીસ અધિક્ષક વિજય પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર. વેકરિયા, ASI વનરાજસિંહ રણજીતસિંહ અને HC હરજીભાઈ નાગજીભાઈ સહિત એલસીબીની ટીમે પાર પાડી હતી.













