, ,

બપોરે ઘરફોડ, 22 વર્ષ સુધી પોલીસને ચકમો… આખરે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના જાળમાં ફસાયો આંતરરાજ્ય માસ્ટર ચોર

સયાજીગંજના ફ્લેટમાંથી 51 તોલા સોનું ચોરી કરનાર UPના રીઢા આંતરરાજ્ય ચોર અનિલ રાજભરને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પંડ્યા બ્રિજ નીચેથી રૂ. 34.29 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યો.

સયાજીગંજના ફ્લેટમાંથી 51 તોલા સોનું ઉઠાવનાર યુપીનો રીઢો આરોપી પંડ્યા બ્રિજ નીચે ઝડપાયો; રૂ. 34.29 લાખનો મુદ્દામાલ કબજે, મુંબઈમાં પણ દાગીના વેચ્યાની કબૂલાત

વડોદરા: વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં ભરબપોરે બંધ ફ્લેટનું તાળું તોડી લાખો રૂપિયાની ઘરફોડ ચોરી આચરનાર છેલ્લા 22 વર્ષથી વિવિધ રાજ્યોમાં સક્રિય આંતરરાજ્ય માસ્ટર ચોરને શહેર ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ઢબે ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી સુધી પહોંચેલી ટીમે તેની પાસેથી રૂ. 34.29 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી સયાજીગંજની હાઇપ્રોફાઇલ ઘરફોડનો ભેદ ઉકેલી નાખ્યો છે.

મળતી માહિતી મુજબ, ગત 14 જુલાઈના રોજ સયાજીગંજના કેમ્પસ રોડ પર આવેલા તસીદ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે આવેલા એક બંધ ફ્લેટમાં બપોરે એકથી પાંચ વાગ્યાની વચ્ચે અજાણ્યા શખ્સે તાળું તોડી પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ કબાટના લોકર તોડી અંદર રાખેલા આશરે 51 તોલા સોનાના દાગીના, 400 ગ્રામ ચાંદીની પ્લેટ અને રૂ. 40 હજારની રોકડ સહિત લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા શહેર ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી.

પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન ફૂટેજમાં દેખાયેલા શંકાસ્પદની ઓળખ અનિલકુમાર મીસરી રાજભર, મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી તરીકે થઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી અગાઉ વર્ષ 2023માં પણ વડોદરામાં દિવસ દરમિયાન થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો હતો અને અનેક રાજ્યોમાં તેની સામે સમાન પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે.

આરોપીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વડોદરા રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં સતત વોચ ગોઠવી હતી. દરમિયાન પંડ્યા બ્રિજ નીચે શંકાસ્પદ હાલતમાં ફરતા અનિલકુમાર રાજભરને રોકી તપાસ કરવામાં આવી હતી. તેની પાસે રહેલી બેગની તપાસ કરતાં તેમાં મોટી માત્રામાં સોનાના દાગીના, ચાંદીની વીંટીઓ, મોબાઇલ ફોન અને રોકડ રકમ મળી આવી હતી. દાગીનાના કોઈ બિલ કે માલિકીના પુરાવા રજૂ ન કરી શકતાં પોલીસે કુલ રૂ. 34.29 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

કઠોર પૂછપરછ દરમિયાન આરોપીએ સયાજીગંજ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ગુનો કબૂલ્યો હતો. એટલું જ નહીં, તેણે ચોરી કરેલા કેટલાક સોનાના દાગીના મુંબઈમાં અલગ-અલગ જગ્યાએ વેચી દીધા હોવાની પણ કબૂલાત કરી હતી. પોલીસે હવે મુંબઈમાં વેચાયેલા દાગીનાની વિગતો મેળવવા અને તેને ખરીદનાર લોકો સુધી પહોંચવા માટે તપાસનો વ્યાપ વધાર્યો છે.

પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે કે આરોપી છેલ્લા 22 વર્ષથી વિવિધ રાજ્યોમાં દિવસ દરમિયાન બંધ મકાનો અને ફ્લેટોને નિશાન બનાવી ઘરફોડ ચોરીઓ કરતો હતો. તે સતત પોતાનું સ્થળ અને ઓળખ બદલતો રહેતો હોવાથી લાંબા સમય સુધી પોલીસ પકડથી દૂર રહ્યો હતો.

શહેર ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડીને સમગ્ર મુદ્દામાલ સાથે વધુ કાર્યવાહી માટે સયાજીગંજ પોલીસને સોંપી દીધો છે. હવે આરોપી સામે નોંધાયેલા અન્ય ગુનાઓ, મુંબઈમાં વેચાયેલા દાગીનાની કડી તેમજ તેની સાથે સંકળાયેલા અન્ય લોકો અંગે પણ પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

About the Author

AADI ANANT NEWS

Aadi Anant News is a trusted digital news platform dedicated to delivering accurate, unbiased, and timely news. We cover local, national, and global stories with integrity, transparency, and a commitment to factual journalism. Stay informed with news that matters.

You May Have Missed