, ,

કેન્સરની સારવાર માટે રાજસ્થાન ગયા, પાછળથી તસ્કરોએ તિજોરી ખંખેરી! હરિનગરના બંધ મકાનમાંથી રૂ. 6.50 લાખની ચોરી

વડોદરાના હરિનગર વી.બી.નગરમાં કેન્સરની સારવાર માટે રાજસ્થાન ગયેલા નિવૃત્ત કર્મચારીના બંધ મકાનમાંથી તસ્કરો તાળું તોડી રૂ. 5.30 લાખ રોકડા અને સોનાના દાગીના ચોરી ગયા.

નિવૃત્ત કર્મચારીના ઘરમાં તાળું તોડી રૂ. 5.30 લાખની રોકડ અને સોનાના દાગીના ચોરાયા; પાડોશીના ફોનથી ચોરીનો ભાંડો ફૂટ્યો

વડોદરા: વડોદરા શહેરના હરિનગર વિસ્તારમાં કેન્સરની સારવાર માટે પરિવાર સાથે રાજસ્થાન ગયેલા નિવૃત્ત વ્યક્તિના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી આચરી હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા ચોરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરી ખોલી રોકડ અને સોનાના દાગીના મળી કુલ રૂ. 6.50 લાખની માલમત્તા પર હાથ ફેરવ્યો હતો. ઘટનાની જાણ પડોશીના ફોન બાદ થતાં પરિવાર રાજસ્થાનથી પરત ફર્યો હતો. પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, ગોત્રી વિસ્તારના હરિનગર પાણીની ટાંકી પાસે, ઇસ્કોન મંદિર સામે આવેલા વી.બી.નગરમાં રહેતા રામનરેશ બાબુલાલ યાદવ (ઉંમર 57 વર્ષ) નિવૃત્ત કર્મચારી છે અને તેઓ પત્ની સાથે રહે છે. બંને લાંબા સમયથી કેન્સરની સારવાર લઈ રહ્યા હોવાથી 30 જુલાઈના રોજ પરિવાર સાથે રાજસ્થાનના દેવમાળી ગામ સારવાર માટે ગયા હતા. ઘર બંધ હોવાની જાણ થતાં તસ્કરોએ તકનો લાભ ઉઠાવી મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો.

1 ઓગસ્ટની સાંજે પડોશમાં રહેતા દીપાબેને ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું અને અંદરનો સામાન વેરવિખેર હાલતમાં જોઈ તરત જ રામનરેશ યાદવને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. પરિવાર રાજસ્થાનમાં હોવાથી તેમણે સુરક્ષાના ભાગરૂપે પડોશીને ઘર પર બીજું તાળું મારી દેવા જણાવ્યું હતું.

પરિવાર 2 ઓગસ્ટના રોજ ઘરે પરત ફર્યો ત્યારે બેડરૂમમાં રાખેલી તિજોરી તૂટેલી જોવા મળી હતી. તપાસ કરતાં આશરે 15 ગ્રામનો સોનાનો હાર, ચાર સોનાની વીંટીઓ, પાંચ ગ્રામનો સોનાનો માંગટીકો તેમજ રૂ. 5.30 લાખની રોકડ મળી કુલ અંદાજે રૂ. 6.50 લાખની માલમત્તા ચોરાઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અજાણ્યા તસ્કરોએ ઘરનું મુખ્ય તાળું તોડી સીધા બેડરૂમમાં રાખેલી તિજોરીને નિશાન બનાવી હતી. તિજોરીમાંથી રોકડ અને કિંમતી દાગીના ચોરી કર્યા બાદ તસ્કરો ફરાર થઈ ગયા હતા.

ઘટનાની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ચોરો સામે ગુનો નોંધી આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ પુરાવા અને અન્ય કડીઓના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે તસ્કરોને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સ્થાનિકોમાં આ ચોરીની ઘટનાને લઈને ચિંતા જોવા મળી રહી છે. સતત વધી રહેલી ઘરફોડ ચોરીની ઘટનાઓને પગલે રહેણાંક વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની માંગ પણ ઉઠી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

About the Author

AADI ANANT NEWS

Aadi Anant News is a trusted digital news platform dedicated to delivering accurate, unbiased, and timely news. We cover local, national, and global stories with integrity, transparency, and a commitment to factual journalism. Stay informed with news that matters.

You May Have Missed