સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસનને મળી નવી દિશા, નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતાવાળા ભવ્ય ક્રૂઝનું લોન્ચિંગ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતા અત્યાધુનિક ‘એકતા ક્રૂઝ’નું સફળ લોન્ચિંગ; 250 બેઠકોનું ડાઇનિંગ અને ફ્લોટિંગ ઇવેન્ટ હબ બનશે.

તમામ જરૂરી પૂર્વ મંજૂરીઓ બાદ ટૂંક સમયમાં સેવા શરૂ થશે; આકર્ષક લાઇટિંગ, 250 બેઠકોવાળું ડાઇનિંગ અને વિશાળ સ્ટેજ સાથે ફ્લોટિંગ ઇવેન્ટ હબ બનશે

એકતા નગર (નર્મદા): વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણ ઉમેરાયું છે. નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતા અત્યાધુનિક અને ભવ્ય “એકતા ક્રૂઝ” (Ekta Cruise)નું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. તમામ સુરક્ષા ધોરણો અને સંબંધિત વિભાગોની જરૂરી મંજૂરીઓ પૂર્ણ થયા બાદ આ નવી ક્રૂઝ સેવા પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અગાઉથી જ 200 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતું ક્રૂઝ સફળતાપૂર્વક કાર્યરત છે, જેને દેશ-વિદેશના પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. નર્મદા નદીમાં ક્રૂઝ સફર દરમિયાન પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ આસપાસના કુદરતી સૌંદર્યનો અનોખો અનુભવ મળે છે.

પ્રવાસીઓની સતત વધી રહેલી સંખ્યા અને માંગને ધ્યાનમાં રાખીને હવે વધુ વિશાળ, આધુનિક અને બહુહેતુક સુવિધાઓથી સજ્જ નવા ક્રૂઝનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ ક્રૂઝ માત્ર નદીમાં પ્રવાસ માટે જ નહીં, પરંતુ વિવિધ સામાજિક, સાંસ્કૃતિક અને કોર્પોરેટ કાર્યક્રમો માટે પણ ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે.

નવી ક્રૂઝમાં જન્મદિવસની ઉજવણી, લગ્ન પૂર્વ સમારંભ, સંગીત સંધ્યા, કોર્પોરેટ મીટિંગ્સ, પ્રોડક્ટ લોન્ચ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ખાનગી પાર્ટીઓ અને અન્ય વિશેષ કાર્યક્રમોનું આયોજન પણ કરી શકાશે. નર્મદા નદીના મનમોહક વાતાવરણ વચ્ચે યોજાતા આવા કાર્યક્રમો પ્રવાસીઓને અનોખો અનુભવ આપશે.

પ્રવાસીઓને વધુ આકર્ષક અનુભવ આપવા માટે ક્રૂઝમાં આધુનિક ડેકોરેટિવ લાઇટિંગ સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવી છે. ખાસ કરીને સાંજ અને રાત્રિના સમયે આ લાઇટિંગના કારણે ક્રૂઝની સુંદરતા અનેકગણી વધી જશે, જે પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી (SOUADTGA) દ્વારા વિશ્વસ્તરીય પ્રવાસન સુવિધાઓ વિકસાવવાના પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે. નવી ક્રૂઝ સેવા શરૂ થતાં એકતા નગરના પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ મળશે અને પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત સાથે યાદગાર ક્રૂઝ સફરનો લાભ પણ મળશે.


નવા “એકતા ક્રૂઝ”ની મુખ્ય વિશેષતાઓ

  • 600 પ્રવાસીઓની ક્ષમતા
  • 250 લોકો માટે ડાઇનિંગ સુવિધાઓ
  • લંબાઈ: 30 મીટર
  • પહોળાઈ: 12 મીટર
  • 5 × 4 મીટરનો વિશાળ સ્ટેજ
  • આકર્ષક ડેકોરેટિવ લાઇટિંગ
  • સેલિબ્રેશન, પાર્ટી, કોર્પોરેટ ઇવેન્ટ્સ, પ્રોડક્ટ લોન્ચ અને વિશેષ કાર્યક્રમો માટે ખાસ ડિઝાઇન

હાલમાં કાર્યરત ક્રૂઝની વિશેષતાઓ

  • 200 પ્રવાસીઓની ક્ષમતા
  • 100 લોકો માટે ડાઇનિંગ સુવિધા
  • લંબાઈ: 24 મીટર
  • પહોળાઈ: 9 મીટર
  • 4 × 3 મીટરનો સ્ટેજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

About the Author

AADI ANANT NEWS

Aadi Anant News is a trusted digital news platform dedicated to delivering accurate, unbiased, and timely news. We cover local, national, and global stories with integrity, transparency, and a commitment to factual journalism. Stay informed with news that matters.

You May Have Missed