, ,

ડિલિવરી પહેલાં જ એલસીબીનો સપાટો, આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ

વડોદરા LCB ઝોન-4 ની મોટી કાર્યવાહી; મધ્યપ્રદેશથી અમદાવાદ ડ્રગ્સ ડિલિવરી આપવા નીકળેલા દંપતી પાસેથી રૂ. 57.19 લાખનો 1.396 કિલો MD ડ્રગ્સનો જથ્થો જપ્ત.

અમદાવાદમાં ડ્રગ્સ પહોંચે તે પહેલાં જ વડોદરા એલસીબીની કાર્યવાહી; દંપતી પાસેથી રૂ. 57.19 લાખનો મુદ્દામાલ જપ્ત, ફરાર સપ્લાયર અને ખરીદદારની શોધખોળ શરૂ

વડોદરા: વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના વેપાર સામે એલસીબી ઝોન-4ને વધુ એક મોટી સફળતા મળી છે. ચોક્કસ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં મધ્યપ્રદેશથી અમદાવાદ ડ્રગ્સની ડિલિવરી આપવા નીકળેલા દંપતીને ઝડપી પાડી પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી 1 કિલો 396 ગ્રામ 710 મિલિગ્રામ મેફેડ્રોન (એમડી ડ્રગ્સ) સહિત કુલ રૂ. 57.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી માહિતી મુજબ, એલસીબી ઝોન-4ને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશ પાસિંગની એક મહિન્દ્રા સ્કોર્પિયો કારમાં નશીલા પદાર્થનો જથ્થો લઈને કેટલાક લોકો અમદાવાદ તરફ જઈ રહ્યા છે. માહિતીના આધારે પોલીસે ગોલ્ડન ચોકડીથી લેક્ઝોન તરફ એરફોર્સ ગેટ સામે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ સ્કોર્પિયો કારને રોકી તપાસ કરતાં તેમાં સવાર દંપતી પાસેથી મોટી માત્રામાં મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.

પકડાયેલા આરોપીઓની ઓળખ અય્યુબખાન મોહમ્મદજમાનખાન અને તેની પત્ની નાઝમીન, બંને મધ્યપ્રદેશ રાજ્યના મંદસૌર જિલ્લાના સીતામઉ તાલુકાના સુરજની ગામના રહેવાસી તરીકે થઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને આર્થિક લાભ મેળવવાના હેતુથી આંતરરાજ્ય સ્તરે ડ્રગ્સની હેરાફેરી કરતા હતા અને આ વખતે મંદસૌરથી અમદાવાદ ડ્રગ્સની ડિલિવરી આપવા નીકળ્યા હતા.

તપાસ દરમિયાન મહિલા આરોપીની મહિલા પોલીસ અધિકારીઓની હાજરીમાં અંગઝડતી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન તેણે પોતાના શરીરના છાતીના ભાગે ખૂબ જ ચાલાકીથી સંતાડેલો મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો. આ ખુલાસા બાદ પોલીસે બંને આરોપીઓની સ્થળ પર જ ધરપકડ કરી હતી.

પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું હતું કે તેમણે મંદસૌરના ‘જાફર’ નામના વ્યક્તિ પાસેથી અંદાજે રૂ. 7 લાખમાં મેફેડ્રોન ખરીદ્યો હતો. ત્યારબાદ અમદાવાદના ‘રવિ’ નામના વ્યક્તિને વધુ કિંમતે પહોંચાડવાનો સોદો થયો હતો. જોકે વડોદરા એલસીબીની સતર્કતા અને ઝડપી કાર્યવાહીના કારણે ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલાં જ સમગ્ર રેકેટનો ભાંડો ફૂટી ગયો હતો.

પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે રૂ. 41.90 લાખનો મેફેડ્રોનનો જથ્થો, રૂ. 15 લાખની મહિન્દ્રા સ્કોર્પિયો કાર, મોબાઇલ ફોન, રોકડ રકમ તેમજ ડ્રગ્સના પેકિંગ માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી મળી કુલ રૂ. 57.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

હાલ પોલીસે ફરાર સપ્લાયર જાફર અને ખરીદદાર રવિની શોધખોળ શરૂ કરી છે. ઉપરાંત આ આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો, અગાઉ કરવામાં આવેલી ડિલિવરીઓ અને સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે આ કેસમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

About the Author

AADI ANANT NEWS

Aadi Anant News is a trusted digital news platform dedicated to delivering accurate, unbiased, and timely news. We cover local, national, and global stories with integrity, transparency, and a commitment to factual journalism. Stay informed with news that matters.

You May Have Missed