વડોદરા: હાઇકોર્ટના વિવાદાસ્પદ પરિપત્રને લઈને વડોદરાના વકીલોમાં રોષ યથાવત છે. સતત બીજા દિવસે પણ વકીલ મંડળની હડતાળ ચાલુ રહેતાં શહેરની વિવિધ અદાલતોમાં નિયમિત કામગીરી પ્રભાવિત થઈ હતી. વિરોધને વધુ તીવ્ર બનાવતા બરોડા બાર એસોસિએશનના બેનર હેઠળ વકીલોએ A-4 સાઇઝના પેપરની પ્રતિકાત્મક હોળી સળગાવી પરિપત્રને તાત્કાલિક રદ કરવાની માંગ ઉઠાવી હતી.
વડોદરા, તા. 6: હાઇકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રના વિરોધમાં વડોદરા વકીલ મંડળની હડતાળ ગુરુવારે સતત બીજા દિવસે પણ યથાવત રહી હતી. હડતાળના કારણે શહેરની વિવિધ અદાલતોમાં કેસોની સુનાવણી સહિતની નિયમિત કામગીરી પર નોંધપાત્ર અસર જોવા મળી હતી.
વકીલોનું કહેવું છે કે હાઇકોર્ટનો પરિપત્ર વકીલાત વ્યવસાય તેમજ ન્યાયિક પ્રક્રિયા માટે હિતાવહ નથી. તેથી પરિપત્રને તાત્કાલિક પાછો ખેંચવાની માંગ સાથે આંદોલન ચાલુ રાખવામાં આવ્યું છે.
આંદોલનને વધુ અસરકારક બનાવવા બરોડા બાર એસોસિએશનના બેનર હેઠળ મોટી સંખ્યામાં વકીલો એકત્ર થયા હતા. તેમણે A-4 સાઇઝના પેપરની પ્રતિકાત્મક હોળી સળગાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન પરિપત્ર રદ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.
વિરોધ પ્રદર્શનમાં બરોડા બાર એસોસિએશનના પ્રમુખ હસમુખ ભટ્ટના નેતૃત્વમાં મોટી સંખ્યામાં વકીલો, હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા. તમામે એકજૂટતા દર્શાવી સ્પષ્ટ કર્યું હતું કે, માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે અને જરૂર પડશે તો આગામી દિવસોમાં વિરોધ વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

