મુંબઈથી બાળકનો કબજો લઈને અન્ય એજન્ટને સોંપવાની હતી ભૂમિકા; ડૉક્ટર સહિત હવે કુલ 10 આરોપીઓ પોલીસ જાળમાં
વડોદરા: વડોદરામાં 08 દિવસના નવજાત બાળકની માનવ તસ્કરીના ચકચારી કેસમાં ક્રાઇમ બ્રાંચ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (A.H.T.U.)ને વધુ એક મહત્વની સફળતા મળી છે. મહારાષ્ટ્રના અંબરનાથથી વ્યવસાયે ડૉક્ટર એવા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 10 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે, જ્યારે સમગ્ર રેકેટના અન્ય સભ્યો સુધી પહોંચવા પોલીસે તપાસ વધુ તેજ બનાવી છે.
વડોદરા, તા. 6: નવજાત બાળકની માનવ તસ્કરીના કેસમાં ક્રાઇમ બ્રાંચ અને A.H.T.U.ની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસના આધારે વોન્ટેડ આરોપી સચીનદેવ મહાવીર નાગનાથ લોખંડે (રહે. અંબરનાથ, જી. થાણે, મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી છે. આરોપી વ્યવસાયે ડૉક્ટર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી અગાઉ ઝડપાયેલા આરોપીઓ પાસેથી મુંબઈમાં નવજાત બાળકનો કબજો મેળવી તેને આગળ અન્ય એજન્ટ સુધી પહોંચાડવાની જવાબદારી નિભાવતો હતો. આ કામગીરી બદલ તેને રેકેટમાં મહત્વની કડી માનવામાં આવી રહી છે.
ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. નામદાર કોર્ટે વધુ તપાસ માટે આરોપીના 6 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન માનવ તસ્કરીના સમગ્ર નેટવર્ક અને તેમાં સંકળાયેલા અન્ય લોકો અંગે પૂછપરછ કરવામાં આવશે.
પોલીસના જણાવ્યા મુજબ, અત્યાર સુધી આ કેસમાં કુલ 10 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. સમગ્ર માનવ તસ્કરીના સંગઠિત રેકેટના અન્ય સભ્યો, તેમની ભૂમિકા અને નેટવર્કના વિસ્તરણ અંગે તપાસ હજુ પણ ચાલુ છે. આગામી દિવસોમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

