Site icon aadianantnews.com

વડોદરા જિલ્લામાં ભારે વરસાદના રેડ એલર્ટને પગલે 1 ઓગસ્ટે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ

વડોદરા, 31 જુલાઈ 2026: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા વડોદરા સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ (રેડ એલર્ટ) જાહેર કરવામાં આવતા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલિયા (IAS) દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ શનિવાર, 1 ઓગસ્ટ 2026ના રોજ વડોદરા જિલ્લાના તમામ તાલુકાઓ તેમજ શહેરી વિસ્તારની તમામ આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, આઈ.ટી.આઈ. અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે.

જિલ્લા તંત્રએ જણાવ્યું છે કે ભારે વરસાદને કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોની સુરક્ષા સુનિશ્ચિત થાય તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ હુકમ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ-163 હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટને પ્રાપ્ત સત્તાના આધારે અમલમાં મૂકવામાં આવ્યો છે. જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લા વહીવટીતંત્રે તમામ વાલીઓ, વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને આ જાહેરનામાનું પાલન કરવા તેમજ વરસાદ દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા અને સત્તાવાર સૂચનાઓ પર નજર રાખવા અપીલ કરી છે.

Exit mobile version