Site icon aadianantnews.com

વડોદરાના વુડા ભવનમાં છઠ્ઠા માળે આવેલી સરકારી કચેરીમા વહેલી સવારે આગ, મહત્વના દસ્તાવેજો બળીને ખાખ

એલ એન્ડ ટી સર્કલ પાસે આવેલી સરકારી કચેરીમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી, ફાયર બ્રિગેડે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

વડોદરા તા.30
વડોદરા શહેરમાં સરકારી કચેરીઓમાં આગ લાગવાની ઘટનાઓ વચ્ચે ગુરુવારે વધુ એક બનાવ સામે આવ્યો છે. એલ એન્ડ ટી સર્કલ પાસે આવેલા વુડા ભવનના છઠ્ઠા માળે આવેલી પ્રાદેશિક નગરપાલિકાની સરકારી કચેરીમાં વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગમાં મોટી સંખ્યામાં રાખવામાં આવેલા જૂના અને નવા સરકારી દસ્તાવેજો બળીને નષ્ટ થયા હોવાનું સામે આવ્યું છે.

વડોદરાના એલ એન્ડ ટી સર્કલ નજીક આવેલા વુડા ભવનના છઠ્ઠા માળે આવેલી પ્રાદેશિક નગરપાલિકાની સરકારી કચેરીમાં ગુરુવારે વહેલી સવારે અંદાજે 5 વાગ્યાના સમયે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. પ્રાથમિક તપાસ મુજબ આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આગની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની દાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમ ફાયર ઓફિસરની આગેવાની હેઠળ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર જવાનોએ પાણીનો સતત મારો ચલાવી આગને અન્ય વિભાગોમાં ફેલાતી અટકાવી હતી. કચેરીમાં મોટી માત્રામાં જૂના તેમજ નવા સરકારી દસ્તાવેજો સંગ્રહિત હોવાથી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

ફાયર બ્રિગેડે કલાકોની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. જોકે આગની ઘટનામાં અનેક મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન તેમજ આગ લાગવાના ચોક્કસ કારણ અંગે સંબંધિત વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Exit mobile version