Site icon aadianantnews.com

રેલ્વેમાં નોકરી અપાવવાના નામે રૂ.10.24 લાખની ઠગાઈ, નકલી લેટર આપી ચાર યુવકોને શિકાર બનાવ્યા

વેસ્ટર્ન રેલ્વેમાં ઓળખાણ હોવાનો દાવો કરી વિશ્વાસ જીત્યો, હોટલ મેનેજર સહિત ચાર વ્યક્તિઓ પાસેથી લાખો રૂપિયા વસૂલ્યા

વડોદરા તા.30
વડોદરામાં રેલ્વેમાં સરકારી નોકરી અપાવવાની લાલચ આપી ચાર યુવકો પાસેથી રૂ.10.24 લાખની ઠગાઈ આચરવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આરોપીએ પોતે વેસ્ટર્ન રેલ્વેમાં નોકરી કરતો હોવાનું જણાવી વિશ્વાસ જીત્યો, નકલી જોડાણ પત્ર અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ પણ આપ્યું હતું. લાંબા સમય સુધી નોકરી ન મળતાં અને રૂપિયા પણ પરત ન મળતાં આખરે પીડિતોએ પોલીસનો સહારો લીધો છે.

ફરિયાદ અનુસાર, અલંકાર હોટલમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મોહમદ સાયન આરિફભાઈ શેખની વર્ષ 2023 દરમિયાન હોટલમાં રહેવા આવેલા મોહમદ જકવાન યુસુફ દેલાવાલા સાથે ઓળખાણ થઈ હતી. આરોપીએ પોતે વેસ્ટર્ન રેલ્વેમાં નોકરી કરતો હોવાનું કહી મિત્રતા કેળવી હતી.

વર્ષ 2024માં રેલ્વે ભરતીની જાહેરાત બાદ ફરિયાદીએ માહિતી માંગતા આરોપીએ પોતાની ઓળખાણના આધારે સીધી નોકરી અપાવી આપવાની ખાતરી આપી હતી. તેના બદલામાં આશરે રૂ.7.50 લાખ ખર્ચ થશે તેમ કહી ફરિયાદી પાસેથી શૈક્ષણિક પ્રમાણપત્રો સહિત જરૂરી દસ્તાવેજો મેળવી લીધા હતા.

ત્યારબાદ આરોપીએ વિવિધ તારીખોએ ઓનલાઈન હપ્તાવાર રૂ.1.95 લાખ પોતાના મોબાઇલ નંબર સાથે જોડાયેલા ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં નોકરીનો પ્રોસેસ ચાલુ હોવાનું કહી સમય પસાર કરાવ્યો અને ફરિયાદીને કથિત જોડાણ પત્ર તેમજ પ્રતાપનગર રેલ્વે હોસ્પિટલનું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ પણ આપ્યું હતું, જેના કારણે ફરિયાદીને આરોપી પર વધુ વિશ્વાસ બેઠો હતો.

પરંતુ લાંબો સમય વીતી જવા છતાં નોકરી મળી નહોતી અને રૂપિયા પણ પરત આપવામાં આવ્યા નહોતા. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીએ ફરિયાદી ઉપરાંત તેના અન્ય ત્રણ મિત્રો પાસેથી પણ નોકરી અપાવવાના બહાને રૂપિયા પડાવ્યા હતા. જેમાં વારિશઅલી અકબરઅલી બાલીસાનાથી ₹3 લાખ, જમીયા મુસ્તાકમિયા મીર પાસેથી રૂ.2.20 લાખ અને મોહમદ ઝુબેર મેહમુદમિયા શેખ પાસેથી રૂ.3.09 લાખ મેળવી રૂ.10.24 લાખની ઠગાઈ આચરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

પીડિતોએ આરોપી સામે ખોટા દસ્તાવેજો આપી છેતરપિંડી અને નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયા પડાવવાના આક્ષેપો સાથે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી બેંક સ્ટેટમેન્ટ, દસ્તાવેજો અને અન્ય પુરાવાના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

Exit mobile version