Site icon aadianantnews.com

રેન્ટ પર આપેલી થારનું એન્જિન બદલી છેતરપિંડી, ત્રણ આરોપી ઝડપાયા

ભાડે આપેલી મહિન્દ્રા થારમાંથી મૂળ એન્જિન કાઢી અન્ય વાહનમાં ફિટ કરાયું; એલસીબી ઝોન-03એ રૂ. 5 લાખની થાર સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા

વડોદરા: વડોદરા શહેરમાં ભાડે આપવામાં આવેલી મહિન્દ્રા થારનું મૂળ એન્જિન કાઢી અન્ય વાહનમાં ફિટ કરીને છેતરપિંડી આચરવાના કૌભાંડનો એલસીબી ઝોન-03ની ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં રૂ. 5 લાખની કિંમતની મહિન્દ્રા થાર સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ માટે પાણીગેટ પોલીસને સોંપ્યા છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આજવા રોડ વિસ્તારમાં રહેતા આકાશભાઈ ભગતે પોતાની મહિન્દ્રા થાર મિત્ર મારફતે ભાડે આપી હતી. થોડા દિવસો બાદ ગાડીના એન્જિનમાંથી અસામાન્ય અવાજ આવવા લાગતાં તેમણે વાહનને ગેરેજમાં તપાસ માટે મોકલ્યું હતું. શરૂઆતમાં મરામત કરવામાં આવી હોવા છતાં સમસ્યા યથાવત રહેતાં એન્જિન ખોલીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો. ગાડીમાં લાગેલું એન્જિન આર.સી. બુકમાં નોંધાયેલા એન્જિન નંબર સાથે મેળ ખાતું ન હતું. જેના કારણે ફરિયાદીને છેતરપિંડીની શંકા જતાં સમગ્ર મામલાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

ફરિયાદીએ વાહનમાં લગાવવામાં આવેલી જીપીએસ સિસ્ટમનું લોકેશન તપાસતાં જાણવા મળ્યું હતું કે ગાડી અગાઉ કપૂરાઈ ચોકડી નજીક આવેલા એક ગેરેજમાં લઈ જવામાં આવી હતી. પોલીસે ગેરેજ સંચાલકની પૂછપરછ કરતાં સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટી ગયો હતો.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ ભાડે મળેલી થારમાંથી મૂળ એન્જિન કાઢી તેને બીજી મહિન્દ્રા થારમાં ફિટ કર્યું હતું, જ્યારે ભાડાની થારમાં અન્ય એક જૂનું એન્જિન લગાવી દીધું હતું. આ રીતે વાહન માલિક સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

બાતમીના આધારે એલસીબી ઝોન-03ની ટીમે શંકાસ્પદ મહિન્દ્રા થારને અટકાવી તપાસ હાથ ધરી હતી. પોલીસે e-GujCop પોર્ટલ મારફતે એન્જિન નંબરની ચકાસણી કરતાં એન્જિન અન્ય વાહનનું હોવાનું બહાર આવ્યું હતું.

આ કેસમાં પોલીસે સન્ની રાજેશકુમાર સીંગ, ઓમ રાજકુમાર સીંગ અને ક્રિષ્ણાકાંત અરુણકુમાર પાંડેની ધરપકડ કરી છે. તેમની પાસેથી મહિન્દ્રા થાર કબજે લેવામાં આવી છે અને વધુ તપાસ માટે સમગ્ર કેસ પાણીગેટ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

પોલીસ હવે આરોપીઓએ આ પ્રકારની છેતરપિંડી અન્ય કેટલાં વાહનો સાથે આચરી છે કે નહીં, તેમજ આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં પણ સઘન તપાસ કરી રહી છે.

Exit mobile version