Site icon aadianantnews.com

જૂની અદાવતનો લોહિયાળ બદલો! અટલાદરામાં મધરાતે સીકલીગર પરિવાર પર તલવાર-પાઈપથી જીવલેણ હુમલો

વડોદરાના અટલાદરા વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવતે હિંસક સ્વરૂપ ધારણ કરતાં સીકલીગર પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. મધરાતે ઘરમાં ઘૂસી તલવાર અને લોખંડની પાઈપ વડે દંપતી પર હુમલો કરાતા બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા દંપતીની ફરિયાદના આધારે પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે.

અટલાદરાના ભાયલી વિસ્તાર સ્થિત ગોકુલ નગરમાં રહેતા લાલુસિંગ મહેન્દ્રસિંગ સીકલીગરે નોંધાવેલી ફરિયાદ મુજબ, 30 જુલાઈની રાત્રે તેઓ પરિવાર સાથે ઘરે સૂતા હતા ત્યારે રણજીતસિંગ તારાસિંગ સીકલીગર, બાદલસિંગ રણજીતસિંગ સીકલીગર અને રાજવીરસિંગ રણજીતસિંગ સીકલીગર ચારચક્રી વાહનમાં તેમના ઘરે પહોંચ્યા હતા.

આરોપીઓએ અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી સૌપ્રથમ તેમના દીકરા મોહનસિંગને ઊંઘમાંથી જગાડી મારપીટ શરૂ કરી હતી. દીકરાને બચાવવા લાલુસિંગ અને તેમની પત્ની ક્રિયાકોર વચ્ચે પડતા હુમલાખોરોએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો.

ફરિયાદ મુજબ રણજીતસિંગે તલવાર વડે લાલુસિંગના માથામાં ઘા ઝીંકતાં તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા અને માથામાં ટાંકા લેવા પડ્યા હતા. બાદલસિંગે લોખંડની પાઈપ વડે તેમના ડાબા ખભા પર પ્રહાર કરતાં ફ્રેક્ચર થયું હતું. એટલું જ નહીં, ક્રિયાકોરના ડાબા હાથના કાંડા પર પણ પાઈપ વડે હુમલો કરતાં તેમને પણ ફ્રેક્ચર થયું હોવાનું તબીબોએ જણાવ્યું છે. દરમિયાન રાજવીરસિંગે ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

હુમલો કર્યા બાદ ત્રણેય આરોપીઓ ચારચક્રી વાહનમાં ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત દંપતીને તેમના દીકરા મોહનસિંગે 108 એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં બંનેની સારવાર ચાલી રહી છે. પોલીસે ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Exit mobile version