Site icon aadianantnews.com

આઠ દિવસના માસૂમનો સોદો! મુંબઈમાં વેચાણ પહેલાં જ ભાંડો ફૂટ્યો, વધુ બે આરોપી ઝડપાયા

વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માત્ર આઠ દિવસના નવજાત શિશુને મુંબઈ ખાતે વેચી દેવાના ચોંકાવનારા કાવતરામાં વધુ બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. અત્યાર સુધી સાત આરોપીઓ સામે કાર્યવાહી થઈ ચૂકી છે. તપાસમાં ખુલાસો થયો છે કે નવજાતના પિતાએ પણ આર્થિક લાભ માટે પોતાના જ પુત્રને વેચવાના કાવતરામાં ભાગ ભજવ્યો હતો, જ્યારે અન્ય આરોપીએ સમગ્ર સોદા માટે મધ્યસ્થી અને સંપર્કની ભૂમિકા ભજવી હતી.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તાજેતરમાં સિદ્ધપુરથી મુંબઈ લઈ જવાઈ રહેલા માત્ર આઠ દિવસના નવજાત શિશુને વડોદરાની એક હોટલમાંથી સુરક્ષિત રીતે શોધી કાઢ્યો હતો. આ મામલે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં BNS તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધાઈ એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ કેસમાં અગાઉ મનોજ કેશાભાઈ રાવળ, તેની પત્ની વીણાબેન, સુનીલ ધુળાભાઈ રાવળ, દલપતભાઈ ધુળાભાઈ રાવળ અને નગીન ઉર્ફે નગા ભગોરાની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે પોલીસે વધુ બે આરોપી શ્રવણ દુધાભાઈ પરમાર (તા. પોશીના, સાબરકાંઠા) અને લક્ષ્મણભાઈ મોતીભાઈ મુળી (તા. પોશીના, સાબરકાંઠા)ને શોધી કાઢી અટકાયત કરી છે.

તપાસમાં સામે આવ્યું છે કે આરોપી શ્રવણ પરમાર નવજાતના પરિવારનો સગો હોવા છતાં મુખ્ય આરોપી નગીન ભગોરાના સંપર્કમાં રહી બાળકને મુંબઈમાં વેચવાના કાવતરામાં સક્રિય રીતે જોડાયો હતો. જ્યારે બાળકના પિતા લક્ષ્મણભાઈ મુળીએ આર્થિક લાભ મેળવવાના ઇરાદે પોતાના જ નવજાત પુત્રને વેચી નાખવાનું ગુનાહિત કૃત્ય કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસ હાલમાં તમામ આરોપીઓની પૂછપરછ કરીને આ બાળ તસ્કરીના રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ અને અગાઉ પણ આવા સોદા થયા છે કે નહીં તે દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે.

Exit mobile version