Site icon aadianantnews.com

આગામી તહેવારોને લઈ વડોદરા પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન: 1,494 વાહનોનું ચેકિંગ, 41 શંકાસ્પદ વાહનો ડિટેઇન

ઝોન-1 અને ઝોન-2માં સઘન સર્ચ ડ્રાઇવ; ડ્રિંક એન્ડ ડ્રાઇવ સામે કાર્યવાહી, પૂર્વ ગુનેગારો અને નંબર પ્લેટ વગરના વાહનો પર ખાસ નજર

વડોદરા: આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ લૂંટ, ચોરી અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓને અટકાવવા માટે વડોદરા પોલીસે મેગા કોમ્બિંગ અને વાહન ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરાયેલા આ વિશેષ અભિયાન દરમિયાન કુલ 1,494 વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 41 શંકાસ્પદ અને નંબર પ્લેટ વગરના વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. ઉપરાંત, ડ્રિંક એન્ડ ડ્રાઇવ સહિત ટ્રાફિક નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરીને રૂ. 17,800નો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.

પોલીસ કમિશનર નરસિમ્હા કોમરની સૂચના અનુસાર 3 ઓગસ્ટની રાત્રે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી શહેરના તમામ ચેકપોસ્ટ તેમજ વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ ‘કોમ્બિંગ વિહિકલ ચેકિંગ ડ્રાઇવ’ યોજાઈ હતી. ત્યારબાદ ઝોન-1 અને ઝોન-2ના વિવિધ રહેણાંક અને સંવેદનશીલ વિસ્તારોમાં પણ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

અભિયાન દરમિયાન પોલીસે કુલ 1,494 વાહનોનું ચેકિંગ કર્યું હતું. જેમાં દારૂના નશામાં વાહન ચલાવતા 14 વાહનચાલકો સામે ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસ નોંધાયા હતા. ઉપરાંત, નંબર પ્લેટ વગરના અથવા શંકાસ્પદ 41 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. ટ્રાફિક નિયમોના ગંભીર ભંગ બદલ મોટર વ્હીકલ એક્ટની કલમ-207 હેઠળ 68 વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે અન્ય વિવિધ નિયમોના ભંગ બદલ વધુ 67 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પાવતી-1 હેઠળ રૂ. 17,800નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

ઝોન-2ના ડીસીપી મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે, ઝોન-1 અને ઝોન-2માં રહેણાંક વિસ્તારોનું પ્રમાણ વધુ હોવાથી મિલકત સંબંધિત ગુનાઓને રોકવા માટે આ પ્રકારની કોમ્બિંગ ડ્રાઇવ નિયમિત રીતે યોજવામાં આવે છે. ખાસ કરીને પ્રોપર્ટી ઓફન્સમાં સંડોવાયેલા ગુનેગારો, શંકાસ્પદ ઇસમો તેમજ અગાઉ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ રહેલા લોકો પર ખાસ નજર રાખીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે બિનવારસી અને નંબર પ્લેટ વગરના વાહનોની વિશેષ તપાસ કરવામાં આવી રહી છે. શહેરની વિવિધ સોસાયટીઓમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બને તે માટે સિક્યોરિટી ગાર્ડ્સને પણ જરૂરી માર્ગદર્શન અને બ્રીફિંગ આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત MCR ડેટાના આધારે પૂર્વ ગુનેગારોની હાલની પ્રવૃત્તિ અને લોકેશનની પણ સતત ચકાસણી કરવામાં આવી રહી છે.

ડીસીપી વણઝારાએ સ્પષ્ટ કર્યું હતું કે આ કોઈ અસાધારણ અભિયાન નથી, પરંતુ પોલીસની નિયમિત અને પ્રોએક્ટિવ કામગીરીનો એક ભાગ છે. આગામી તહેવારો દરમિયાન શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે અને કોઈપણ પ્રકારના ગુનાઓ બનતા પહેલાં જ તેને અટકાવી શકાય તે માટે આગામી દિવસોમાં પણ સરપ્રાઈઝ ચેકિંગ, કોમ્બિંગ ડ્રાઇવ અને સઘન વાહન ચેકિંગ અભિયાન સતત ચાલુ રહેશે, તેમ તેમણે જણાવ્યું હતું.

Exit mobile version